Friday, April 12, 2019

ભાજપનો નુકસાન ભરપાઈ નો ગેમ પ્લાન.


ગત લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ દેશના પશ્ચિમી રાજ્યો એટલે કે ગોવા, ગુજરાત, રાજસ્થાન માં કોંગ્રેસના સુપડા સાફ કરી તમામ સીટો પર જીત મેળવી હતી. આ જ રીતે મહારાષ્ટ્ર  અને મધ્યપ્રદેશમાં મહદંશે ભાજપને જ સફળતા મળી હતી.  દેશનો પશ્ચિમી  કાંઠો  ભાજપને ફળ્યો હતો. આંકડાકીય રીતે વાત કરીએ તો ગોવાની 2, ગુજરાતની ૨૬, રાજસ્થાનની 25 એમ કુલ 53 સીટો ઉપર ભાજપને યશ મળ્યો હતો.  આ રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટી પોતાનું ખાતું સુદ્ધા ખોલી શકી નહોતી. મધ્યપ્રદેશની 27, મહારાષ્ટ્રની ૨૩ બેઠકો ભાજપને મળી હતી.  મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગઠબંધન હોવાને કારણે એનડીએનો કુલ જીતેલી સીટો નો આંકડો 41 સુધી પહોંચ્યો હતો.  એટલે કે આ તમામ રાજ્યો મળીને ભાજપને 121 સીટો મળી હતી.  જ્યારે કે કોંગ્રેસને આ બધાં રાજ્યોમાંથી કુલ 4 સીટ અને ગઠબંધન સાથે આઠ સીટ મળી હતી. ભાજપ માટે દેશના  પશ્ચિમી રાજ્યો શુભ સમાચાર લઈને આવ્યા.  નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હોઈ પાડોશના તમામ રાજ્યોએ તેમને પ્રધાનમંત્રી બનવા માટે પૂર્ણ સહયોગ આપ્યો.  આજે પાંચ વર્ષ પછી પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે.  મહારાષ્ટ્રને બાદ કરતા  તમામ રાજ્યોમાં વર્ષ ૨૦૧૪ જેવુ પરિણામ મુશ્કેલ છે.  ગોવામાં ભારતીય જનતા પાર્ટીના ધુરંધર નેતા  મનોહર પર્રીકર નું નિધન થઈ ચૂક્યું છે.  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટી નુ પરફોર્મન્સ જોતા લોકસભાની અમુક સીટો પર કોંગ્રેસ પાર્ટીને જીત મળી શકે છે.  રાજસ્થાનમાં સત્તા પરિવર્તન આવ્યું છે, કોંગ્રેસ પાર્ટી ના મુખ્યમંત્રી હોવાને કારણે નિશ્ચિત પણે અહીંની 25 સીટો માંથી  ભાજપને નુકસાન થઈ શકે છે.  મધ્યપ્રદેશમાં પણ સત્તા પરિવર્તન થયું છે  જેથી ગત ચૂંટણીની માફક ભાજપને મોટી જીત મળવી મુશ્કેલ છે. મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ મજબૂત છે.  શિવસેના સાથે ગઠબંધન થયા પછી  ઘણી ખરી સીટો ભાજપ ફરી એક વખત જીતી શકશે.  આ તમામ રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીને માત્ર ચાર સીટો મળી હતી.  જેથી કોંગ્રેસની પરિસ્થિતિ આ ચૂંટણી દરમિયાન વકરો એટલો નફો જેવી છે.  સ્વાભાવિક છે કે કોંગ્રેસ પાર્ટી પોતાના મુખ્યમંત્રીઓ થકી ભાજપના ઉમેદવારોને હરાવવા માટે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવશે. આ પરિસ્થિતિમાં ભાજપને થઇ રહેલું નુકશાન તે કઈ જગ્યાએથી રિકવર કરી શકશે? જવાબ છે દેશનો પૂર્વ કાંઠો.  ઉપર જણાવેલી બધી જ પરિસ્થિતિનું પૂર્વાનુમાન કરીને  ભાજપની થિન્ક ટેન્કે પોતાની રાજનૈતિક ક્ષિતિજ ને પૂર્વના કાંઠા સુધી વિસ્તારવાની યોજના અમુક વર્ષ પહેલા બનાવી લીધી હતી.  હાલની રાજકીય પરિસ્થિતિ તેનું જ પરિણામ છે.

પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, તમિલનાડુ અને કેરળમાં ભાજપ નુકસાન ભરપાઈ ની ગણતરી કરી બેઠું છે. પશ્ચિમ બંગાળમાં લોકસભાની કુલ 42 સીટો છે.  અહીં ત્રૃણમૂલ કોંગ્રેસને કુલ 34 સીટો મળી હતી અને ભારતીય જનતા પાર્ટીના ફાળે માત્ર બે સીટો આવી હતી.  છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ ને અનુલક્ષીને અનેક મહત્વપૂર્ણ પગલાં લીધા છે.  નેતાજી સુભાષચંદ્ર બોઝ ની આઝાદ હિન્દ ફોજ નો સ્થાપના દિવસ સુદ્ધા મનાવવામાં આવ્યો.  શારદા ચીટ ફંડ ગોટાળો,  રાજકીય હત્યાઓબાંગ્લાદેશથી આવીને વસેલા મુસલમાનો,  પર્વતીય વિસ્તારોમાં નેશનલ સીટીઝનશીપ  રજીસ્ટર જેવા અનેક  મુદ્દાઓ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પશ્ચિમ બંગાળમાં છવાયેલા રહ્યા છે.  આનું પરિણામ ઘણું મોટું આવી શકે છે.  કોંગ્રેસ અને લેફ્ટીસ્ટ હાંસિયામાં ધકેલાઈ ગયા છે.  જ્યારે ચૂંટણીમાં ભાજપ અને ત્રૃણમૂલ કોંગ્રેસ આમને-સામને છે.  ભાજપે બીજા પક્ષના ઘણા નેતાઓને પોતાનામાં સમાવી લીધા છે.  આ બધી પરિસ્થીતી ને જોતા ભાજપને અહીં 15 થી 22 સીટો મળવાનું અનુમાન છે. ઓરિસ્સામાં કુલ ૨૧ સીટો છે.  અહીં બીજું જનતાદળને 20 સીટો પર જીત હાંસલ થઈ છે જ્યારે કે ભાજપને માત્ર એક સીટ મળી છે. છેલ્લા ઘણા સમયથી ભાજપે આ રાજ્યમાં જીત મેળવવા માટે જમીની સ્તર પર કામ કર્યું છે.  જેનું પરિણામ પંચાયતની ચૂંટણીઓ દરમિયાન જોવા મળ્યું.  ભાજપ ની ગણતરી છે કે અહીં તેઓને ૫ - ૬ થી વધુ સીટો મળે.  તમીલનાડુમાં કુલ ૩૯ સીટો છે,  જેમાંથી ભાજપને માત્ર એક સીટ મળી છે.  અહીં એઆઈડીએમકે ને 37 સીટો પર જીત મળી હતી. કરુણાનિધિ અને જયલલિતા ના નિધન પછી તમિલનાડુ ની પરિસ્થિતિ બદલાઈ છે.  રજનીકાંત અને કમલ હસન ની રાજનૈતિક લાલસા થી સૌ કોઈ જાણીતા છે. ડીએમકે પાર્ટીમાં રાજનૈતિક ખેંચાણ તેની ચરમસીમા પર પહોંચી ચૂકી છે. રાજકીય પરિસ્થિતિમાં તક સાધતાં ભાજપે એઆઈએડીએમકે સાથે ગઠબંધન કરી લીધું છે. આ ને કારણે ભાજપ પોતાનો સ્કોર એક થી વધારીને ત્રણ કે ચાર સુધી લઈ જવા માગે છે.  જોકે આ  એટલું સહેલું નથી કારણ કે ભાજપ પાસે અહીંયા કોઈ જ ચહેરો નથી. કેરળમાં કુલ ૨૦ સીટો છે.  અહીં કોંગ્રેસ પાર્ટીને સૌથી વધુ આઠ સીટો મળી હતી.  હાલના સમયમાં ભારતીય જનતા પાર્ટીએ શબરીમાલા જેવા લોકો સાથે સંકળાયેલા વિષયોને ઉચકીને પોતાની રાજકીય પરિસ્થિતિ સંગીન બનાવી છે.  ભાજપનું માનવું છે કે તેને બે કે ત્રણ સીટો મળશે.  એકંદરે આ તમામ રાજ્યની પરિસ્થિતિઓને જોતા અને ભારતીય જનતા પાર્ટીની રણનીતિ ને ધ્યાનમાં લેતા.  જો ભાજપના પાસા સીધા પડ્યા તો ભાજપને આ રાજ્યોમાંથી 24 થી 35 સીટો નો ફાયદો થશે.  હાલની રાજકીય પરિસ્થિતિ જોતા આ ફાયદો નાનોસૂનો નથી.   ઉગતા સૂરજના રાજ્યમાં ભાજપનો સૂરજ ઉગે છે કે નહીં 2૩મી મેના રોજ ખબર પડશે.

No comments: